શ્રી શંકર ચૌધરીના જીવનનો એક સાર

શંકર ચૌધરી એટલે ન્યૂનતમ શબ્દોમાં મોટી વાત કરી દે તેવા અનેક વિશેષતાઓથી ભરેલ પ્રેરણાદાયી વ્યક્તિત્વ. જીવનના પ્રત્યેક તબક્કે સામાજિક સુધારણા અને નાગરિકોના આર્થિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું કામ તેઓએ કર્યું છે. કોઈપણ પ્રકારની અપેક્ષા વિનાની નાગરિકોની સેવામાં ઓતપ્રોત રહેતા શંકર ચૌધરી એક એવા નેતા તરીકેની સ્વિકાર્યતા પ્રાપ્ત કરી છે, જેના હૈયે હમેંશા લોકહિત વસેલુ છે.

તેમણે ગુજરાત સરકારનાં શહેરી આવાસ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ, માર્ગ અને પરિવહન, તબીબી શિક્ષણ અને શહેરી વિકાસ મંત્રાલય ઉપરાંત બનાસ બેંકના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી છે. ઉપરાંત તેઓ અત્યારે બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

૩ ડિસેમ્બર, ૧૯૭૦ ના રોજ, લગધીરભાઈ ચૌધરી અને રતનબેન ચૌધરીના ઘરે જન્મેલ શંકરભાઈ ચૌધરીએ નાગરિકોના જીવનની સર્વાંગી પ્રગતિમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું તથા માત્ર ૨૭ વર્ષની યુવા વયે સક્રિય રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમજ આ લાંબી રાજકીય સફરમાં હમેંશા સમાજસેવામાં પોતાનુ અમૂલ્ય યોગદાન અને પ્રબળ નેતૃત્વ આપીને સતત પરિશ્રમ કરતાં એક કર્મયોગીની ઓળખ ઉભી કરી છે.

તેમણે હમેંશા સામાજીક ઉન્નતિને મુખ્ય લક્ષ્ય તરીકે રાખીને તે માટે લોકોના સહાયક તરીકેની સક્રિય સેવાઓ આપી છે. ગુજરાત પ્રદેશ ભાજપાના એક સભ્ય થી લઇને આજદિન સુધી તેમની જીવનયાત્રાની પ્રાથમિકતાઓમાંની એક મહત્વપૂર્ણ બાબત શહેરી અને ગ્રામીણ અર્થતંત્રની પ્રગતિ ઝડપભેર થાય તે રહી છે. ૧૯૮૮થી તેઓના રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર. એસ.એસ.) સાથેના જોડાણથી તેમને નિ:સ્વાર્થભાવથી સમાજ અને દેશની સેવા કરવા માટેની પ્રેરણા મળી અને તેથી રાષ્ટ્રનું ઋણ ચુકવવાના ઉન્નત વિચાર સાથે તેઓ રાજકારણમાં જોડાયા.

૧૯૯૭માં સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યા બાદ તેઓ ૧૯૯૮માં રાધનપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. ત્યાર થી તેઓએ ક્યારેય પાછું વળીને જોયુ નથી. તેમણે પોતાના કાર્યકાળમાં ગુજરાત સરકારના પ્રધાન તરીકે અમૂલ્ય સેવાઓ આપી છે. સાથે જ વિવિધ સામાજિક સંસ્થાઓની સ્થાપના, સુધારણા અને વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેઓએ સતત ચાર ટર્મ સુધી રાધનપુરના ધારાસભ્ય (૧૯૯૮-૨૦૧૨) તરીકે, જ્યારે એક ટર્મ વાવના ધારાસભ્ય (૨૦૧૨-૧૭) તરીકે ગુજરાત વિધાનસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કર્યુ છે.

આ દરમિયાન શંકર ચૌધરીએ રાજય સરકારમાં મહત્વનાં મંત્રાલયો જેવા કે શહેરી આવાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, માર્ગ અને પરિવહન, તબીબી શિક્ષણ, શહેરી વિકાસ વિભાગમાં પોતાની જવાબદારીઓ નિભાવી છે. ઉપરાંત તેમણે ભૂતકાળમાં બનાસ બેંકના ચેરમેન તથા હાલ એશીયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યાં છે.

રાજ્યકક્ષાના મંત્રી ૨૦૧૪-૨૦૧૬ - [શહેરી આવાસ (સ્વતંત્ર પ્રભાર), આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પરિવહન], ૨૦૧૬-૨૦૧૭ - [તબીબી શિક્ષણ અને પર્યાવરણ (સ્વતંત્ર પ્રભાર), આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શહેરી વિકાસ]

તેમના કાર્યકાળ દરમિયાન મેળવેલ સિદ્ધીઓ

 • ગુજરાતના આરોગ્ય માળખામાં ધરખમ સુધારો
 • ૨૮ અદ્રિતીય સ્મારકો અને ૨૬૯૬ મહત્વપૂર્ણ ઇમારતો સાથે અમદાવાદ ભારનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયુ. અમદાવાદના દાવાને સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળ્યુ હતું.
 • મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ અને કામનો પ્રારંભ થયો. આ મેટ્રો પ્રોજેક્ટ ટ્રાફિક અને તેના સબંધિત સમસ્યાઓના ઉકેલલવા માટે સક્ષમ છે.
 • ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના વિકાસ અને આર્થિક ઉન્નતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું.
 • મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક, હોમીયોપેથી, પેરા મેડીકલ તમામની એડમીશન પ્રક્રિયાને ઓનલાઇન કરી.
 • ૫ બ્રાઉન ફીલ્ડ અને ૨ ગ્રીન ફીલ્ડ મેડીકલ કોલેજને મંજૂરી આપી, જેનાથી ૧૦૫૦ મેડીકલ બેઠકોમાં વધારો
 • તેમના કાર્યકાળમાં ગુજરાત સરકાર દ્વારા ૧૬૩૭ ડોક્ટર્સ, ૩૦૧૭ સ્ટાફનર્સ, ૧૪૦૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ૨૪૭ ફિઝીયોથેરાપીસ્ટ, ૩૨૩ ડેન્ટીસ્ટ ડોક્ટર્સની ભરતી કરેલ
ચેરમેન, બનાસ બેંક (૨૦૦૬-૨૦૧૬)

તેમના કાર્યકાળ દરમિયાન થયેલ કામો

 • ખેડૂતોને આપવામાં આવતી લોન પર વ્યાજનો દર ૧૨% થી ઘટાડીને ૧% કરવામાં આવ્યો હતો.
 • પાકધિરાણ પર વ્યાજનો દર ૧૩% થી ઘટાડીને ૪% કરવામાં આવ્યો હતો. જે ખેડૂતો લોનની ચુકવણી કરવામાં નિયમીત હતા, તેમના માટે વ્યાજનો દર ૪% થી ઘટાડીને ૧% કરવામાં આવ્યો હતો.
 • ખેડૂતોના સંતાનોને તબીબી શિક્ષણ (એમ.બી.બી.એસ.)માં અભ્યાસ કરાવવા માટે ₹ ૧૦ લાખ અને વિદેશમાં અભ્યાસ માટે ₹ ૨૦ લાખની ખાસ નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી હતી, વિદ્યાર્થિનીઓ માટે ખાસ ૧%ના વ્યાજ દર પર શિક્ષણ લોન આપવામાં આવતી હતી.
 • આર.ટી.જી.એસ., એન.ઈ.એફ.ટી., એસ.એમ.એસ. એલર્ટ અને સહકારી બેન્કમાં એ.ટી.એમ. જેવી આધુનિક બેન્કિંગ સુવિધાઓ ખાતાધારકોને આપવામાં આવી હતી.
 • કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો લાભ બેન્ક એકાઉન્ટ ધરાવનાર અને શેર ધારકોને આપવામાં આવ્યો હતો.
 • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેનાર ખાતા ધારકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ નિઃશુક્લ આપવામાં આવતો હતો. ૧૫,૦૦૦ ખાતા ધારકોએ કેન્દ્ર સરકારની આ વીમા પોલીસીનો લાભ લીધો હતો.
 • એક જ વર્ષમાં લાભાર્થીઓને લગભગ ₹ ૯૪ લાખની સહાય પૂરી પાડવામાં આવી હતી.
 • બેંકના તત્કાલિન ચેરમેન તરીકે તેમના પ્રયત્નોથી હાઇ-વે નજીકની મોકાની જગ્યા સરકારશ્રીની પાસેથી પ્રાપ્ત થઇ અને ગ્રામીણ અર્થતંત્રની ભવિષ્યની જરૂરીયાતોને પરીપૂર્ણ કરે તેવું તથા જીલ્લાના નાગરિકોને બેંક મારફતે શ્રેષ્ઠ નાણાકીય સગવડો સતત મળી રહે તેમાં મદદરૂપ થાય તેવા સંસ્થાના આધુનિક મુખ્યમથકનું નિર્માણ થયું.
 • સંસ્થાના ઇતિહાસ્માં પ્રથમ વખત બનાસ બેંકને ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઈ.) તરફથી લાઈસન્સ તથા આઈ.એસ.ઓ. સર્ટિફિકેશન પ્રાપ્ત થયુ તેમજ બેંકના સુચારૂં નાણાકીય વ્યવહારોની નાબાર્ડ દ્વારા ઓડિટ પણ થઇ.
 • ૧૦ દૂધ સહકારી મંડળીઓ અને જિલ્લાની અન્ય સહકારી સંસ્થાઓમાં માઈક્રો-એ.ટી.એમ.ની સુવિધા ઉપલબ્ધ કરાવી બેંકિગ સિસ્ટમને સરળ બનાવી હતી.
 • કોર બેકિંગ સોલ્યુશન અને આર.બી.આઈ.ના માપદંડો અનુરૂપ આધુનિક ટેકનોલોજી અપનાવવાની પહેલ પણ કરેલ હતી.
 • સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે ખેડૂતોના પુત્રોને રાહતદરે નોટબુકનું વિતરણ તથા કુદરતી આપદા સમયે લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ-સહાય પુરી પાડવા જેવા વિવિધ આયોજન કરવામાં આવેલ હતા.
 • વિવિધ ફેરફારોના કારણે બેંકનો નીચે મુજબ સર્વાંગી વિકાસ થયો હતો:
  • શેર મૂલ્યમાં ₹ ૩૪ કરોડનો વધારો; જે શેર મૂલ્ય ૨૦૦૬માં ₹ ૨૬ કરોડ હતું, તે ૨૦૧૬માં વધીને ₹ ૬૦ કરોડ થયું. એટલે ૧૦ વર્ષમાં શેર મૂલ્યમાં ૨૩૦%નો વધારો થયો હતો.
  • બેંકના રિઝર્વ ભંડોળમાં ₹ ૬૦ કરોડનો વધારો; ૨૦૦૬માં બેંકનું ભંડોળ ₹ ૩૪ કરોડ હતુ, જે ૨૦૧૬માં વધીને ₹ ૯૪ કરોડ થયું. એટલે ૧૦ વર્ષમાં બેંકની મુડીમાં ૨૭૬%નો વધારો થયો હતો.
  • બેંકની થાપણોમાં ₹ ૮૯૨ કરોડનો વધારો; ૨૦૦૬માં ₹ ૩૫૨ કરોડની થાપણો બેંક પાસે હતી, જે ૨૦૧૬માં વધીને ₹ ૧,૨૪૪ કરોડ થઈ. એટલે બેંકની થાપણોમાં ૩૫૪% વધારો થયો હતો.
  • બેંક ક્રેડીટમાં ₹ ૬૦૭ કરોડનો વધારો; ૨૦૦૬માં બેંક ક્રેડીટ ₹ ૩૮૮ કરોડ હતી, જે ૨૦૧૬માં વધીને ₹ ૯૯૫ કરોડ થઈ. એટલે કે ૨૫૬% વધારો થયો હતો.
  • બેંકના નફામાં ₹ ૩.૨ કરોડનો વધારો; ૨૦૧૬માં બેંકે ₹ ૫.૩૦ કરોડનો નફો કર્યો હતો, જે ૨૦૧૬માં વધીને ₹ ૮.૫૦કરોડ થયો. એટલે કે ૧૬૦% નો વધારો થયો હતો.
  • બેંકની વર્કીન્ગ કેપીટલમાં ₹ ૧,૨૦૭ કરોડનો વધારો; ૨૦૦૬માં બેંકની વર્કીન્ગ કેપીટલ ₹ ૬૨૮ કરોડ હતી, જે ૨૦૧૬માં વધીને ₹ ૧,૮૩૫ થઈ. એટલે કે ૨૯૨% વધારો થયો હતો.
 • ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ ને ‘કૃષિ વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે સરકારે ખેડૂતોને આપવામાં આવતા ધિરાણ પરના વ્યાજદરમાં ૬% નો ઘટાડો કર્યો હતો. બનાસ બેંકે ખેડૂતોના હિત માટેના આ નિર્ણયનો અમલ કરવાની પહેલ કરીને જિલ્લાના હજારો ખેડૂતોને તેનો લાભ આપ્યો હતો.
બનાસ ડેરીના ચેરમેન, એશીયાની સૌથી મોટી સહકારી સંસ્થા (૨૦૧૫ થી અત્યાર સુધી)

તેમના કાર્યકાળ દરમિયાન થયેલ કામો

 • મધમાખી પાલન અને બટાકાની ખેતી કરતાં ખેડૂતોને માર્ગદર્શન આપી નિર્મિત મધ અને બટાકાના ઉત્પાદોને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરવાની પહેલ. ૬૭ ખેડૂતો સાથે કૉન્ટ્રાક્ટ ફાર્મીંગ કરીને તેમના ખેતર પરથી સીધો આ પાક ખરીદવાનો કરાર બનાસ ડેરીએ કર્યો અને ખેડૂતો પાસેથી એપ્રિલ-૨૦૧૯ સુધીમાં ૫૭૫૧.૨૩ મેટ્રીક ટન બટાકાની ખરીદી કરીને રૂ. ૫ કરોડ ૮૩ લાખની ચુકવણી કરી. આવા ઉત્સાહ જનક પરીણામોથી પ્રોત્સાહિત થઇને તથા જીલ્લાના ખેડૂતોના હીતને કેન્દ્ર સ્થાને રાખી બનાસ ડેરીએ અગાઉના નિર્ણય પર આગળ વધીને પ્રત્યેક કલાકે ૫ મેટ્રીક ટન ફ્રેન્ચ ફ્રાઇસ, ૧.૫ મેટ્રીક ટન આલૂ ટીક્કી, વેજી સ્ટીક, બર્ગર, હેશ બ્રાઉન કે પોટેટો વેજીસ બને તેવી અત્યાધુનિક મશીનરીવાળા લગભગ રૂ. ૧૫૦ કરોડના ખર્ચે “પોટેટો પ્રોજેક્ટ”ને આગામી ૧૫ માસમાં દિયોદર ખાતે નિર્માણ થનારી નવી ડેરીની સાથે જ કાર્યાન્વિત કરવાનું આયોજન ધરાવે છે, જેમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર-મશીનરી માટે લગભગ ૭૦ કરોડ જેટલી સબસીડી સરકારમાંથી મળનારી હોઇ આ પ્લાન્ટના નિર્માણમાં સરકાર લગભગ લગભગ અડધો અડધ મદદ ખેડૂતો અને પશુપાલકોના હિતમાં ધ્યાને રાખી કરશે. વધુમાં બનાસ ડેરી દ્વારા એપ્રિલ-૨૦૧૯ સુધીમાં ૧૨ મેટ્રીક ટન મધ સંપાદન કરીને રૂપિયા ૧૯ લાખની પૂરક આવકની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.
 • બનાસ ડેરી દ્વારા ભારતના સૌથી આધુનિક ચીઝ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો.
 • ૨૦૧૩-૧૪માં બનાસ ડેરીનું દૈનિક દુધ સંપાદન સરેરાશ ૪૦ લાખ લીટર હતુ તે હવે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વધીને હવે ૫૭.૮૯ લીટર/પ્રતિ દિવસથી પણ વધુ કરવામાં સફળતાં મળેલ છે.
 • ટેકનોલોજી અને દૂધ સંપાદન માટેનો સુચારૂં રૂટ મેનેજમેન્ટ પ્રસ્થાપિત કરવાની વહીવટી કુશળતાના કારણે દૂધ પરિવહન ખર્ચમાં ઘટાડો કરી રૂ. ૧૫ કરોડની બચત કરેલ છે.
 • બનાસ ડેરીના પ્લાન્ટ્સના ધાબે લગાવેલ સોલાર પેનલના કારણે ૧૦,૦૦૦ યુનીટ સોલાર વીજળીનું ઉત્પાદન થાય છે જેના કારણે સંસ્થાને રૂ. ૭૬,૦૦૦ની હવે બચત થાય છે, જેનો લાભ સીધો આર્થિક લાભ પશુપાલકોને થાય છે.
 • ગુજરાત સરકારના કુપોષણ સામેના જંગ માટેના સંગીન પ્રયાસ સમાન યોજના હેઠળ સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવાના લક્ષ્ય સાથે બનાસ ડેરી નિર્મિત “ટેક હોમ રાશન” પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. ૨૮.૫૦ કરોડના ખર્ચે બનાસ ડેરી દ્વારા નવનિર્મિત આ પ્લાન્ટની ૨૦૦ મેટ્રીક ટન પ્રતિદિનની ઉત્પાદન ક્ષમતા સાથે પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિ જેવા ઉત્પાદો બનશે. આ સંપૂર્ણ પ્લાન્ટનું નિર્માણ રેકોર્ડ ૮ માસમાં કરેલ છે, જેનું લોકાર્પણ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું હતુ.
 • દિવસના ૫૦ લાખ લીટરની ક્ષમાતાવાળા દેશમાં સૌથી મોટા કહી શકાય તેવા ઓઇલ મીલના પ્લાન્ટને ખુલ્લા મુકવાની સાથે બનાસ ડેરીએ “નવરસ ખાદ્યતેલ” શ્રેણીને બજારમાં મુકી

જ્યારે પરોપકાર અને પરિશ્રમનું ફળ મળે છે.

શંકર ચૌધરી પોતાની રાજકીય કારકિર્દીના પ્રારંભથી જ વિવિધ સમાજસેવી પ્રવૃતીઓ સાથે જોડાયેલા છે, તેમના આ સમાજસેવાના યજ્ઞકાર્યના પ્રારંભથી જ તેમનો ધ્યેય સ્પષ્ટ છે કે લોકોનો સર્વાંગી વિકાસ થાય.

આ સફર દરમિયાન તેઓએ હંમેશા અસંખ્ય જવાબદારીઓ નિભાવીને દેશ અને લોકોના ક્લ્યાણ માટે કામ કરવામાં કોઈ કસર નથી છોડી. આ ઉમદા કામગીરી માટે તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનીત કરવામાં આવ્યા છે. આ એવોર્ડસ્ શંકર ચૌધરીની સામાજિક આગેવાન તરીકેની તેઓની નિષ્ઠાનું પ્રમાણ છે.

યુ.એન.ઓ. દ્વારા આંતરાષ્ટ્રીય સામાજિક સદભાવ એવોર્ડ (૨૦૦૬)

ગુજરાતના ઘણા વિસ્તારો એવા હતા કે જ્યાં યોગ્ય શૈક્ષણિક માળખાનો અભાવ હતો. શ્રી શંકરભાઈ ચૌધરીએ વિવિધ કાર્યક્રમો અમલમાં મુકીને આ સ્થિતિમાં સુધાર લાવવાની જવાબદારી ઉપાડી લીધી કે જેથી યુવાનોને શિક્ષણની વધુને વધુ સુવિધાઓનો લાભ મળી શકે. તેઓએ શ્રી વિવેકાનંદ વિદ્યાલય, નાલંદા પ્રાથમિક-માધ્યમિક શાળા, નાલંદા ક્ન્યા શાળા-છાત્રાલય, આશ્રમ શાળા, સૈનિક શાળા જેવી અનેક સંસ્થાઓની સ્થાપનાની સાથે સરહદી વિસ્તારમાં નશામુક્તિ જાગૃતિનું જે કામ કરેલ છે તે માટેના તેઓના અમૂલ્ય યોગદાન માટે યુ.એન.ઓ. તરફથી આંતરાષ્ટ્રીય સામાજિક સદભાવ એવોર્ડ માટે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ આદરણીય નવલ કિશોર શર્માજીના હસ્તે શંકર ચૌધરીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

એન.ડી.ડી.બી. ડેરી એક્સલેન્સ એવોર્ડ (૨૦૧૭)

શંકર ચૌધરીએ પોતાના કાર્યકાળમાં બનાસ ડેરીમાં નવી ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓને આગવું સ્થાન આપ્યું. જેના કારણે બનાસ ડેરીની દૂધ સંપાદન ક્ષમતા નોંધપાત્ર વધારા સાથે દૈનિક સરેરાશ ૫૫ લાખ લિટર સુધી પહોંચી છે. આ વિવિધ પહેલથી ડેરીની કાર્યક્ષમતામાં વધારો થવાની સાથે વહીવટી ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળી છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને એન.ડી.ડી.બી. દ્વારા ડેરી એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી રાધા મોહન સીંઘ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે, આ પ્રતિષ્ઠીત એવોર્ડ બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકર ચૌધરી એનાયત કરવામાં આવ્યો હતો.